મિત્રો આજના સમયમાં નાના બાળકોથી લઈને મોટા લોકોને આદત હોય છે કે થોડાક દિવસોમાં હોટલમાં જમવા જવું જ પડે. જીભના ચટાકા ના કારણે અઠવાડિયામાં ઓછામાં ઓછું એક વખત તો લોકો બહાર જમતા જ હોય છે.
જોકે તેની સામે કેટલાક લોકો એવા હોય છે જેમને ફરજિયાત બહાર જમવું પડે છે. કામકાજના કારણે ઘરેથી દૂર રહેતા લોકોને બહારનું જમવું પડે છે તો વળી જ્યારે કોઈ કારણસર બહાર ગયા હોય ત્યારે પણ બહારનું ભોજન કરવું પડે.
આવી રીતે બહાર કોઈ વસ્તુ ખાવી પડે તો અલગ વાત છે પરંતુ નિયમ બનાવવો કે હોટલમાં જમવું જ પડે તે ખોટી બાબત છે. જો હોટલમાં ન છૂટકે પણ જમવું પડે તો કેટલીક વસ્તુઓ ખાવાનું ટાળવું જોઈએ.
કોઈપણ હોટલ હોય ત્યાં અલગ અલગ પ્રકારના ખોરાક મળતા હોય છે. પંજાબી, સાઉથ ઇન્ડિયન, ચાઈનીઝ, ઇટાલિયન વગેરે. આ બધા ખોરાક લોકોને ખૂબ જ ભાવતા હોય છે કારણ કે તેમાં ચટપટી અને મસાલેદાર ગ્રેવી હોય છે.
પરંતુ આજે તમને જણાવી દઈએ કે જો તમે બહારની ગ્રેવી વાળી સબ્જી ખાતા હોય તો ચેતી જજો. કારણ કે આ વસ્તુ એવી છે જે તમને બીમાર બનાવી શકે છે.
તમે પોતે જ વિચારો કે જ્યારે તમે હોટલમાં જઈને બેસો છો અને ઓર્ડર આપો છો કે તુરંત જ થોડી જ મિનિટોમાં ગરમા ગરમ સબ્જી બનીને આવી જાય છે. આટલી ઝડપથી તાજી ગ્રેવી બનાવવી અશક્ય છે.
દરેક રેસ્ટોરન્ટમાં ગ્રેવીને બનાવીને ફ્રિજમાં સ્ટોર કરી દેવામાં આવે છે. એટલે કે જે ચટાકેદાર વાનગી નો સ્વાદ તમે માનો છો તે ગ્રેવી વાસી હોય છે.
દરેક જગ્યાએ ઓછામાં ઓછી આઠ દિવસ ચાલે એટલી ગ્રેવી તૈયાર કરી લેવામાં આવે છે. આ ગ્રેવીને ફ્રીજમાંથી કાઢીને તેને ગરમ કરીને પીરસવામાં આવે છે. આ રીતે ગરમ કરીને પીરસાયેલી ગ્રેવી ની ગુણવત્તા કેવી હોય તે કહી ન શકાય.
જો ગ્રેવી વધારે વાસી હોય તો તેનાથી બીમાર પણ પડી જવાય છે. વળી આ ગ્રેવી લાંબો સમય ચાલે તે માટે તેમાં એવી વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવે છે જે પણ સ્વાસ્થ્ય માટે હાનિકારક હોય.
લાંબા દિવસ સુધી ફ્રિજમાં ગ્રેવી પડી રહે તેના કારણે તેમાં એસિડિક પ્રક્રિયા થાય છે. આ એસિડના કારણે શરીરમાં પણ એસિડનું પ્રમાણ વધી જાય છે. સાથે જ તેના કારણે આપણી પાચન ક્રિયા પણ ખોરવાઈ જાય છે.
વાસી ગ્રેવીનું સેવન કરવાથી હોજરીને પણ નુકસાન થાય છે. આ ગ્રેવી ફક્ત જીભને સ્વાદિષ્ટ લાગે છે પરંતુ હકીકતમાં તે શરીર માટે નુકસાનકારક છે તેથી જ્યારે પણ બહાર જવાનું થાય ત્યારે આ પ્રકારની ગ્રેવી વાળા ખોરાક ખાવાનું ટાળવું જોઈએ.