શરીરને સ્વસ્થ રાખવું હોય તો દિવસ દરમિયાન પૂરતા પ્રમાણમાં પાણી પીવું જોઈએ. આ વાત અત્યાર સુધીમાં તમે અનેક વખત સાંભળી હશે. ઘણા લોકો પૂરતા પ્રમાણમાં પાણી પીવે છે છતાં પણ તેમને સમસ્યાઓ થતી હોય છે. આવું થવાનું કારણ હોય છે પાણી પીવાની ખોટી રીત.
જ્યારે જરૂર કરતા વધુ પાણી પીવામાં આવે છે અથવા તો ખોટી રીતે પાણી પીવામાં આવે છે ત્યારે પણ શરીરને ફાયદો થવાને બદલે નુકસાન થાય છે. આ ભૂલ ના કારણે માથામાં દુખાવો, ચક્કર આવવા, શરીરમાં સોડિયમ ઘટી જવું જેવી તકલીફો થઈ શકે છે.
આ તકલીફોથી બચવું હોય તો સૌથી પહેલા પાણી પીવાની રીત બદલવી જરૂરી છે. જો તમને પણ વિચાર આવતો હોય કે પાણી પીવાની સાચી રીત કઈ છે તો આજે તમને આ પ્રશ્નનો જવાબ આપીએ. તમને પાણી પીવાની યોગ્ય રીત વિશે જણાવીએ.
આયુર્વેદ અનુસાર વ્યક્તિએ નિયમિત રીતે શરીરને જરૂરી છે એટલું જ પાણી પીવું જોઈએ. વધારે પડતું પાણી પીવાથી સ્વાસ્થ્ય સમસ્યાઓ પણ થઈ શકે છે. આ ઉપરાંત એક સાથે વધારે પ્રમાણમાં પાણી પીવાથી પણ પેટમાં દુખાવો થઈ શકે છે. તેથી પાણી હંમેશા ધીરે ધીરે અને થોડું થોડું પીવું જોઈએ.
જો તમને દિવસ દરમિયાન પરસેવો આવતો નથી અથવા તો તમારું મોઢું હંમેશા સુકાયેલું રહે છે તો તેનો મતલબ છે કે તમે શરીરની જરૂર કરતા ઓછું પાણી પી રહ્યા છો. જો તમને આ બંને વસ્તુનો અનુભવ થતો હોય તો તમારે પાણી પીવાનું પ્રમાણ વધારવું જોઈએ.
જો તમે જરૂર જેટલું પાણી પીતા નથી તો સમસ્યાઓ થઈ શકે છે. જે લોકો શરીરની જરૂર કરતા પણ ઓછું પાણી પીવે છે તેવા લોકોને કબજિયાત માથામાં દુખાવો ચામડીના રોગ વધારે પ્રમાણમાં થાય છે.
આયુર્વેદમાં પાણી પીવાની સાચી રીત વિશે પણ જણાવાયું છે. આયુર્વેદ અનુસાર પાણી હંમેશા નિરાંતે બેસીને પીવું જોઈએ. આ ઉપરાંત પાણી ધીરે ધીરે પીવાનું રાખવું.
પાણી વધારે પડતું ઠંડુ પણ ન હોવું જોઈએ. આયુર્વેદ અનુસાર સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓને દૂર કરવી હોય તો હુંફાળું હોય તેવું પાણી પીવું જોઈએ.
જો તમે હુંફાળું પાણી પી શકતા નથી તો માટીના ઘડામાં ભરેલું પાણી પીવું જોઈએ. આ ઉપરાંત રોજ સવારે જાગીને એક ગ્લાસ હુંફાળું પાણી પીવું જોઈએ. તેનાથી શરીરમાં જામેલો કચરો અને બેક્ટેરિયા શરીરમાંથી નીકળી જાય છે. તેનાથી ચરબી ઉતારવામાં પણ મદદ મળે છે.
આયુર્વેદ અનુસાર દિવસ દરમિયાન આઠથી દસ ગ્લાસ પાણી પીવું જોઈએ.