છેલ્લા કેટલાક સમયમાં તમે એવા ઘણા કિસ્સા જોયા હશે જેમાં કોઈ વ્યક્તિને અચાનક જ હાર્ટ એટેક આવે અને તેનું મૃત્યુ થઈ જાય. આવા હાર્ટ અટેક નાની ઉંમરના કલાકારોને પણ આવ્યા છે. આ હાર્ટ અટેક ને સાઇલેન્ટ હાર્ટ અટેક કહેવાય છે.
જેમાં સામાન્ય કામ કરતા વ્યક્તિને થોડીવાર છાતીમાં દુખાવો થાય અને તેનું મોત થઈ જાય છે. સાઇલેન્ટ હાર્ટ અટેક આવે તે પહેલા પણ શરીરમાં કેટલાક લક્ષણો જણાય છે પરંતુ મોટાભાગના લોકો તેને અવગણે છે અને પરિણામ ભયંકર આવે છે.
સાઇલેન્ટ હાર્ટ અટેક એ પણ એક પ્રકારનું હૃદય રોગ છે જેમાં છાતીમાં તીવ્ર દુખાવો થાય છે. આ દુખાવો એટલો ભયંકર હોય છે કે વ્યક્તિ વિશ્વાસ લઈ શકતી નથી અને પીડા વધવા લાગે છે. આ લક્ષણ જ્યારે જણાય ત્યારે લોકો મોટાભાગે તેની ગેસની સમસ્યા સમજે છે અને અવગણના કરે છે.
સાઇલેન્ટ હાર્ટ અટેક ના લક્ષણોની વાત કરીએ તો તેમાં છાતીમાં દુખાવો, છાતી પર દબાણ થવું, છાતીનો ભાગ જકડાઈ જવો જેવા લક્ષણોનો સમાવેશ થાય છે. ઘણી વખત શ્વાસ લેવામાં તકલીફ અને ચક્કર આવવા પણ સાઇલેન્ટ હાર્ટ અટેક ના લક્ષણ હોઈ શકે છે.
ઘણી વખત ઘણા લોકોને ડાબી તરફના જડબામાં દુખાવો પણ થાય છે. આ પ્રકારનું કોઈપણ લક્ષણ જણાય તો તુરંત જ ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ.
સાઇલેન્ટ હાર્ટ અટેક થી બચવું હોય તો સૌથી પહેલા સ્ટ્રેસથી દૂર રહેવું. આ સિવાય જીવનશૈલી ઉપર પણ ધ્યાન આપવું અને આહારમાં તૈલીય વસ્તુ અને મેંદાનો લોટ નો ઉપયોગ ઓછો કરવો. આ સિવાય દિવસમાં ઓછામાં ઓછી 30 મિનિટ કોઈપણ પ્રકારની કસરત કરવી.
જે લોકોને તમાકુ કે દારૂ જેવા વ્યસન હોય છે તેમણે પણ આ વ્યસન છોડી દેવા જોઈએ. સાથે જ ઉપરોક્ત લક્ષણ જણાઈ તો દર છ મહિને હાર્ટનું ચેક અપ કરાવવું જોઈએ તેથી હાર્ટ એટેકની ગંભીર સમસ્યાથી બચી શકાય.
હાર્ટને સ્વસ્થ રાખવા માટે અને સાઇલેન્ટ હાર્ટ અટેક થી બચવા માટે રોજ સાત થી નવ કલાકની ઊંઘ લેવી જોઈએ.